Tuesday, October 7, 2008

નવરાત્રિ - ખોવાયેલા દિવસોને રંગતાળી

અમારી કાઠિયાવાડની નવરાત્રિ ઘણી અલગ. અમારે ત્યાં (અલબત્ત, એ જમાનામાં) એવી ભારે ગેરસમજ કે છોકરા-છોકરીઓ સાથે ગરબે ઘૂમે તો ધરતીકંપ થઈ જાય !! એટલે છોકરીઓ, કાકીઓ (એમને આન્ટી કહેવાય એવું તો અમદાવાદ જઈને શીખ્યા) ગરબે રમે અને અમે મોં વકાસીને બેઠા રહીએ. પણ હિરોગીરી કરવાનો આ યોગ્ય સમો છે એ અમે બરાબર જાણીએ. એટલે માઈક બાંધવાના હોય, માંડવા નીચે રેતી પથરાવવા માટે નગર પંચાયતનું ટ્રેક્ટર મંગાવવાનું હોય, ડેકોરેશન માટે સિરિઝ ગોઠવવાની હોય કે પ્રસાદ વહેંચવાનો હોય.. અમે છોકરાઓ સતત સાબદા રહીએ. અત્યારે ટ્રેડિશનલ ડ્રેસની બોલબાલા છે પણ અમે તો નવરાત્રિમાં રોજિંદા કપડાં ઉતારીને નવાનક્કોર પેન્ટ-શર્ટ પહેરતાં ! કારણ કે આજનો ટ્રેડિશનલ અમારા માટે તો રોજનો પહેરવેશ હતો, એટલે કંઈક નવું તો લાગવું જોઈએને યાર !* અમારા ગરબા - પહેલો વારો આવે સંગીતનો. અમારી નવરાત્રિના વાજિંત્રો એટલે તબલાં,હાર્મોનિયમ અને મંજિરા.. બધું જ ક્યાંકથી માંગી આણેલું ! ભગુભાઈ કંસારા પેટીવાજું આપે (એને હાર્મોનિયમ કહેવાય એ તો મોડી ખબર પડી), શાંતિલાલ તબલાં આપે, સંતોકમાડીનાં સત્સંગ મંડળમાંથી મંજીરા ને ખંજરી લઈ આવીએ. આડે દિવસે અમને "તોફાનીના સરદાર" કહીને ઉતારી પાડતાં આ લોકો નવરાત્રિ ટાણે સહકાર આપે. "માતાજીના કામમાં ના થોડી પડાય !" તબલાં વગાડવાનું કામ મારું, પણ અમારે તો બે જ તાલ સાથે નિસબત. ચલતી અને હિંચ ! હિંચમાં તબલાનો તાલ "તુંબ તકડ ધુંબાંગ" અને ચલતી આવે એટલે દાંત કચકચાવીને મચી પડવાનું.."તકડ તકડ તુંબ તકડ...તકડ તકડ તુંબ તકડ..ધુંબાંગ..ધુંબાંગ" કપાળેથી પરસેવો રેલાતો હોય, હાથની નસો ખેંચાઈને તુટી જવા આવી હોય, તંગ જડબામાં પરસ્પર ઘસાતા દાંતમાંથી તણખા ઝરવા લાગે પણ ખેલૈયા થાકે નહિ ત્યાં સુધી અમારું "તકડ તકડ તુંબ તકડ" બંધ થાય તો ફટ્ટ કહેવાય. એમાં ય જો ગરબે ઘૂમતી કોઈ કન્યાએ એકાદ વાર પણ ત્રાંસી આખે સામે જોઈ લીધું પછી તો ખલ્લ્લાસ ! બંદા બંધ થાય જ શાના ? "તકડ તકડ" વાંચીને તમને બધાને હસવું આવશે પણ અમારા માટે તો એ પરાક્રમ બતાવવાનો રસ્તો હતો, મનગમતી છોકરીનું મોંઘેરું સ્મિત જીતવાનો કારગત કિમિયો હતો એ !