Tuesday, October 7, 2008

નવરાત્રિ - ખોવાયેલા દિવસોને રંગતાળી

અમારી કાઠિયાવાડની નવરાત્રિ ઘણી અલગ. અમારે ત્યાં (અલબત્ત, એ જમાનામાં) એવી ભારે ગેરસમજ કે છોકરા-છોકરીઓ સાથે ગરબે ઘૂમે તો ધરતીકંપ થઈ જાય !! એટલે છોકરીઓ, કાકીઓ (એમને આન્ટી કહેવાય એવું તો અમદાવાદ જઈને શીખ્યા) ગરબે રમે અને અમે મોં વકાસીને બેઠા રહીએ. પણ હિરોગીરી કરવાનો આ યોગ્ય સમો છે એ અમે બરાબર જાણીએ. એટલે માઈક બાંધવાના હોય, માંડવા નીચે રેતી પથરાવવા માટે નગર પંચાયતનું ટ્રેક્ટર મંગાવવાનું હોય, ડેકોરેશન માટે સિરિઝ ગોઠવવાની હોય કે પ્રસાદ વહેંચવાનો હોય.. અમે છોકરાઓ સતત સાબદા રહીએ. અત્યારે ટ્રેડિશનલ ડ્રેસની બોલબાલા છે પણ અમે તો નવરાત્રિમાં રોજિંદા કપડાં ઉતારીને નવાનક્કોર પેન્ટ-શર્ટ પહેરતાં ! કારણ કે આજનો ટ્રેડિશનલ અમારા માટે તો રોજનો પહેરવેશ હતો, એટલે કંઈક નવું તો લાગવું જોઈએને યાર !* અમારા ગરબા - પહેલો વારો આવે સંગીતનો. અમારી નવરાત્રિના વાજિંત્રો એટલે તબલાં,હાર્મોનિયમ અને મંજિરા.. બધું જ ક્યાંકથી માંગી આણેલું ! ભગુભાઈ કંસારા પેટીવાજું આપે (એને હાર્મોનિયમ કહેવાય એ તો મોડી ખબર પડી), શાંતિલાલ તબલાં આપે, સંતોકમાડીનાં સત્સંગ મંડળમાંથી મંજીરા ને ખંજરી લઈ આવીએ. આડે દિવસે અમને "તોફાનીના સરદાર" કહીને ઉતારી પાડતાં આ લોકો નવરાત્રિ ટાણે સહકાર આપે. "માતાજીના કામમાં ના થોડી પડાય !" તબલાં વગાડવાનું કામ મારું, પણ અમારે તો બે જ તાલ સાથે નિસબત. ચલતી અને હિંચ ! હિંચમાં તબલાનો તાલ "તુંબ તકડ ધુંબાંગ" અને ચલતી આવે એટલે દાંત કચકચાવીને મચી પડવાનું.."તકડ તકડ તુંબ તકડ...તકડ તકડ તુંબ તકડ..ધુંબાંગ..ધુંબાંગ" કપાળેથી પરસેવો રેલાતો હોય, હાથની નસો ખેંચાઈને તુટી જવા આવી હોય, તંગ જડબામાં પરસ્પર ઘસાતા દાંતમાંથી તણખા ઝરવા લાગે પણ ખેલૈયા થાકે નહિ ત્યાં સુધી અમારું "તકડ તકડ તુંબ તકડ" બંધ થાય તો ફટ્ટ કહેવાય. એમાં ય જો ગરબે ઘૂમતી કોઈ કન્યાએ એકાદ વાર પણ ત્રાંસી આખે સામે જોઈ લીધું પછી તો ખલ્લ્લાસ ! બંદા બંધ થાય જ શાના ? "તકડ તકડ" વાંચીને તમને બધાને હસવું આવશે પણ અમારા માટે તો એ પરાક્રમ બતાવવાનો રસ્તો હતો, મનગમતી છોકરીનું મોંઘેરું સ્મિત જીતવાનો કારગત કિમિયો હતો એ !

4 comments:

U-said-it said...

wel come to gujarati blog-jagat.
keep it up.
urvish kothari
www.urvishkothari-gujarati.blogspot.comail.com

Dhaivat Trivedi said...

Thanks Dude, Many factors inspired me to do so, and u r one of them !

Anonymous said...

ધૈવત સાહેબ

બૉસ, મને લાગે છે કે તમે પત્રકાર/કટાર લેખકો જ્યા સુધી ડેડ લાઇન ન મળે ત્યાં સુધી "લાઇવ" થતાં નથી!

અને અહિં તો તમને "કોઇ" ડેડલાઇન કે ઓરકુટ પર કરેલ એવું ઊંબાડિયુ પણ નહી કરે કેમ કે સુતેલા સિંહને વાંદરો લાફો મારી જાય એવું ખાલી શ્રી શાહબુદ્દિન રાઠોડ સાહેબની કેસેટ/સીડીમં જ આવે, વારે વારે ઊંબાડિયા કરવા જાય તો પછી આપણા ઘરડા કહેતા ને કે ઊંબાડિયા કરવાથી પથારી ભીની થઈ જાય!

ચાલો યાર (આડકતરી રીતે)તમારી ઘણી બધી તારીફ ઠોકી દીધી, આ તો શું છે કે મારે mutual admiration ના નિયમને પળવો પડે ને બાપુ?

હવે મૂળ મુદ્દાની વાત, તમે આ બ્લોગમાં લખવાના છો કે કાંકરીયાને તાળા લાગ્યા અને લોકોએ જાગ્યા એવી રીતે લોક-આંદોલન કરાવું? સારું એ તમારું, ઓકે?

divyesh vyas said...

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.